એક કોડભરી કન્યા-કે જેની સગાઇ હજુ ગયા વૈશાખમાં જ થઇ છે અને તે પછીના શ્રાવણી સાતમના મેળે એનો પિયુ મળેલો. એણે આપેલી પીળા રૂમાલની ભેટ અને ચકડોળે લગોલગ બેઠેલા તે સ્પર્શની અનુભૂતિની વાત ખેતરના શેઢે વિહરતી વિહરતી તેની સખીઓને કરે છે-એનું ગીત. આ ગીતની માંડણી અને પૂર્તતા કવિ મિત્ર પ્રકાશ જોશીના સહયોગથી થઇ.
વાયરાની હેલે…
વાયરાની હેલે હું તો રેલાતી જાઉં ‘ને,
વાયરો અડ્યાનો મને વહેમ થાય,
બોલને મોરી સૈયર, વાતે વાતે બળ્યું,
સાહ્યબો અડ્યાનું મને કેમ થાય?
વાયરાની હેલે હું તો….
પથરાને ગોફણીયે ઘાલી ઉછાળું,
કે માટીમાં કરૂં રે કુંડાળું,
કેમે ય કરીને વાટ ખૂટે નહીં ને તોયે,
ચાલવાનું લાગે રે હૂંફાળું,
ઉભે રે શેઢે હું તો તણાતી જાઉં ‘ને,
કમખાની કોર આમ તેમ થાય,
વાયરાની હેલે હું તો…
સુંવાળા સગપણનું ગાડું રે હાંકુ,
મોલ શમણાંનો લણતાં રે થાકું,
વાયદાને આંખમાં કે મુઠ્ઠીમાં રાખું,
તો યે વાતેવાતે પડતું એને વાંકુ,
રૂમાલની ગાંઠે હું તો ગૂંથાતી જાઉં ‘ને,
લોક કે’તા કે આને તો પ્રેમ થાય..
વાયરાની હેલે હું તો….
ગગુભા રાજ
પાંગરી વસંત
પાંદે પાંદે પ્રકૃતિની કેવી પાંગરી વસંત
પંડે પંડે પ્રીતડીની એવી પાંગરી વસંત
ડામરી ડાઘ પરે રીઝ્યો દયાનો રે દરિયો
ડગલે ડગલે લીલોતરીની લાંગરી વસંત
ઝાડ કિંકર ના સૂનાં ના જૂનાં હાડપિંજર
ઊસર ધરા થૈ નવોઢા સજી કાંગરી વસંત
વનરા તે વનમાંયે રુક્ષતાથી જે રૂઠી રૂઠી
રાધાને રમણી બનાવે રે સાંવરી વસંત
સૂકા પતઝડે ફીકા ખર્યાં જે પતંગ પચરંગ
ચાર ચાંદ ચંચળ ચમકાવે માંજરી વસંત
ડરવું ત્યાં મરવું- કુંજી એવું મ્હોર તું ‘દિલ’
ખરવું ના વરવું ગુંજે ગરવું બાંસરી વસંત
દિલીપ ર. પટેલ
____________________________________________________
શ્રી રમેશભાઈ પટેલ 'આકાશદીપ'ની કાવ્ય રચનાઓથી કવિલોકના મુલાકાતીઓ સુપેરે પરીચિત છે. સાંપ્રત સમય અને પ્રસંગોને અનુરૂપ આહ્લાદક અને વિચારપ્રેરક એવી કવિતાઓ એમણે વારે વારે પીરસી છે. આનંદની વાત એ છે કે એમના ત્રિપથગા કાવ્યસંગ્રહના વિમોચન બાદ ગુજરાતી બ્લોગ-જગતમાં પ્રકાશ પાથરતો આકાશદીપ નામે સરાહનીય બ્લોગ શરૂ કર્યો છે જેની મુલાકાત અવશ્ય લેવા જેવી છે. એમના બ્લોગની મુલાકાત માટે આ આકાશદીપ લિંક પર ક્લિક કરશો.
ઉત્તરાયણ એય ગુજરાતની અને કાઈટ ફેસ્ટીવલની ધમાધમ, સાબરમતી રિવર ફ્રન્ટની શોભા અને દેશ અને વિદેશી પતંગબાજોના આકાશી ખેલ..તો આવો પતંગની મસ્તીથી ગીત ગાતા વ્યોમે વિહરીએ.
પતંગ
મસ્ત થઈ ઝૂમતી હું રે પતંગ
વહોને વાયરા ધીરે,મારે ઊડવું ગગન
મકર સંક્રાંતિનો પાવન છે પર્વ
પ્રકૃતિ પ્રેમ દોરે , મારે બાંધવું બંધન
હું ને પતંગ……………………
પતંગ તને ઊડવું ગમે
ને મને ઊડાડવું ગમે
નખરાળો પવન તને સતાવે ભલે
મોજથી મનગમતા પેચ લપટાવીએ હવે
નીરખે ગોગલ્સમાં કોઈ તને
દૂરથી જુએ કોઈ છાનું મને
એક આંખવાળો પાવલો સતાવે ભલે
હાલને મજીયારો આનંદ લૂંટીએ જગે
ઓલો વિદેશી ઢાલ કેવો હંફાવી હસે
ને તારી જબરી શ્રીમતી લોટાવે મને
ખાઈ માલપૂડા ખખડાવ હવે થાળી ખાલી
લે હું પણ મારું અમદાવાદી ખેંચ છાનીછાની
દાદા દાદી જરા કાઢજો ને ગૂંચ
સૂરતી દોરીની મોટી છે લૂમ
લાગે ઉત્તરાયણ આજ વહાલી વહાલી
ઊંધીયા જલેબીથી ભરીએ મોટી થાળી
આકાશે ચગી અમારે દેવા સંદેશ
દાદા સૂરજ હાલ્યા મકરને દેશ
ઘરઘરનો દુલારો મારો ઉત્તરાયણ તહેવાર
રૂપલે મઢી પતંગથી છાયો કલશોર
રમેશ પટેલ ‘આકાશદીપ’
_______________________________________________________________________________
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
ચાલ ભેરુને સંગ
લાલ દોરીને રંગ
ચિત્ત ચોટેના આજ કોઈ કામમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
ચોક ફળીયા સૂમ સામ
પોળ કરતી આરામ
ગામ રંગે ચડ્યુ છે બધું ધાબમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
લાલ પીળા ચટ્ટક
ફુલ ખિલ્યાં અઢળક્ક
જાણે ધરતી વરસી’તી આસમાનમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
બોર ગંડેરી પાક
ખાવ ઉંધીયાના શાક
સાંજ રડવડતી ખાલી સૌ ઠામમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
માર કાઈપા ની બૂમ
પછી પકડ્યાની ધૂમ
કોઈ દોડે લઈ ઝાંખરાંને વાંસમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
ફરરર ઉડી ગઈ લાજ
છેડ બિંદાસી સાજ
વહુ તાળી દે સસરાનાં હાથમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
ક્યાંક હૈયાનાં તાર
ક્યાંક છુપો અણસાર
પેચ લાગે છે ક્યાંક કોઈ આંખનાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
ચાંદ તારાને રાત
ઉગે સરખું પરભાત
તોયે કરતી ઉત્પાત
સાલી માણસની જાત
આભ વહેંચે છે અલ્લા ને રામમાં
ડૉ જગદીપ નાણાવટી
ઉતરાયણી અભિવ્યક્તિ…
“એક તો વિશાળ ગગન, ‘ને એમાં આછો અડિયલ પવન,
વળી કરવાના કંઇ કેટલાય પેચ !!.,
કાચી દોરીનો, કાચો રંગરેજ, કયમ કરી કરવા અમારે પેચ?”
“કોમળ તે હાથે બંધાયેલ કિન્યા, ‘ને ઢઢ્ઢો વાળેલ,
લોટણ-ગોથણ અને છપ્પાવાનું , વિધિએ રાખેલ,
વળી મંઝિલ ક્ષિતિજે છેક.. કયમ કરી કરવા અમારે પેચ…”
ઉડી ઉડીને અમારે આઘે જવાનું? તો ફીરકીના સંબંધ શું કાચા?
તાર તાર થઇએ તોય છોડીએ નહીં,સંબંધો એવા નહીં સાચા?
ગગુભા રાજ
ગાંધીનગર, ગુજરાત
માનુષી માઉસ
કેવું સુપર કમ્પ્યુટર જાણે જગ શું સુંદર આયુષી હાઉસ
પ્રભો પ્રો પ્રોગ્રામર અંદર આઉચ કરતો માનુષી માઉસ
રવિશશીનો પકડદાવ કોટિકલ્પે નવ કોઈ થાયે આઉટ
લખચોરાશીમહીં ચકરાવા મારી પડતો માનુષી માઉસ
વર્લ્ડ વાઈડ વેબ શી વિશાળ વળી દિવ્ય દીધી દ્રષ્ટિ
વંશવેલામાં મોહાંધ ગાંડોઘેલો ફરતો માનુષી માઉસ
ભૂતળ ન થાયે ઓવરહીટ માંહી છો દાવાનળની હસ્તિ
વાસના જળમાં આસુરી દવથી બળતો માનુષી માઉસ
સાગર ધારે સઘળુ સલિલ આવે ભલે ઓટ કે ભરતી
દુ:ખમાં ડાઉન સુખે ઓવરલોડ થતો માનુષી માઉસ
પંચમહાભૂતના આવેગ આક્રોશે સંતુલિત રહેતી સૃષ્ટિ
વિચાર શા બાઈટથી હાર્ટ ફેઈલ જતો માનુષી માઉસ
અખિલ આંગણે અનંતને ઓજસવાની પરમ કેરી વૃત્તિ
ન અહંશૂન્ય ને શૂન્ય એકનો મુનિમ થતો માનુષી માઉસ
વોલપેપર વસુંધરાએ વન સમંદર પર્વત કેરી ગૂંથણી
સ્વાર્થ નેપ્થયે મન વિંડો શટડાઉન કરતો માનુષી માઉસ
આયખુ આખું આનંદ અર્પવા બક્ષી છે મહામૂલી પૃથ્વી
મામૂલી પરપંચાતી દોટમહીં ડૉટ થતો માનુષી માઉસ
આભ છત્ર અવનિ શૈયા એક પરિવાર વસુધાની વસ્તી
હાઉસ નામે ટુકડા કાજે મ્યાઉં થૈ ફરતો માનુષી માઉસ
દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલિફોર્નિયા
વિમલ અગ્રાવતનો બ્લોગ મારા કાવ્યો - વિમલ અગ્રાવત વતન : બોટાદ,વ્યવસાય : રાજુલાની જે. એ. સંઘવી હાઈસ્કૂલમાં શિક્ષક અને જાફરાબાદમાં એમનું નિવાસસ્થાન. એમની કવિતાઓ વાંચતા અવશ્ય અનુભવી શકાય કે લાગણીઓને વાંચતા વાંચતા જ ગાઈ શકાય એમ લયબધ્ધ રીતે ગીતના રૂપમાં મૂકવાની એમની ફાવટ અનેરી છે. વાંચતા જ ગમી જાય અને વારે વારે મુલાકાત લેવા પ્રેરે એવા એમના આ બ્લોગની મુલાકાત અચૂક લેશો. વિમલભાઈ એમના બ્લોગ દ્વારા ગુજરાતી કાવ્ય રસિકોને વધુ ને વધુ લાભ આપતા રહે એ માટે હાર્દિક શુભકામનાઓ. " કવિતામાં ગીત એ મારું પ્રિય સ્વરૂપ છે" વિમલ અગ્રાવત
_________________________________________________________________________________
(દુબઈની સાંપ્રત સ્થિતિને અનુલક્ષીને)
તે પછી:
સરકતી રેત પર બાંધી ઇમારત, તે પછી,
પડી મૃગજળ પીવાની રોજ આદત,તે પછી.
બધાયે ભોગને તત્પર કર્યા તલસાટમાં,
ખુદાની પણ કરી ખાલી ઇબાદત, તે પછી.
મઝામય જામના અંજામની પરવા વિના,
નિચોવી સાવ નમણી મહીં નજાકત, તે પછી.
તકાદો તોરભૂખ્યો ને વળી તકદીર થઈ તરસી,
રહે સુખો બધાં ક્યાંથી સલામત, તે પછી.
અફીણી દોડને પણ હાંફ ચડતો જોઈને,
રહ્યો ના ફીણનો પારો સલામત, તે પછી.
શીતળતાને સતાવે છે ડૂમો દુ:સ્વપ્નનો,
ઉડાવે ઊંઘ પણ અશ્રૂની જ્યાફત, તે પછી.
થયો ખાલી ખજાનો કે પછી પોકળ હતો પાનો,
સફાળી ધ્રુજવા માંડી શરાફત , તે પછી.
ગુનાઓ ગાંસડી બાંધી ઊભા છે રાહ જોતા,
જુઓને હાંફળી થઇ છે કયામત, તે પછી.
ચલો ગુલશન મહી આળોટીએ ભ્રમણાં બની,
થઈ ગઈ એષણાને પણ અદાવત, તે પછી.
કસમ કોની લઈશું સત્ય કહેવા-સૂણવા કાજે,
અદા અદ્દલ બતાવે ત્યાં અદાલત, તે પછી.
લીધું જ્યાં નામ પરવરનું અદા કરવા નમાજોને,
તરત સમજાઈ ગઈ આખીયે બાબત, તે પછી.
- ડૉ. નવનીત ઠક્કર
મુરબ્બી શ્રી વિજયભાઈ સેવકની કેટલીક ગઝલ
રસ્તા
ક્યાંક જો ફંટાય છે રસ્તા,
તો પછી ખોવાય છે રસ્તા.
‘ને તિરાડો લાખ પૂરીએ
તો ય ક્યાં સંધાય છે રસ્તા?
આંખમાં આંજો જરા શમણું,
તો નવા પથરાય છે રસ્તા.
માત્ર એક ડગલું ભરી ચાલો,
પ્હાડમાં કોરાય છે રસ્તા.
છે બધાની એક તો મંઝિલ,
કેમ નોખા થાય છે રસ્તા!
ભાર વેંઢારી અમે થાક્યા
કેટલા લંબાય છે રસ્તા!
હા, વિજય ચાલ્યા ગયા લોકો,
એકલા વળ ખાય છે રસ્તા.
____________________________________
ઑફિસ
વ્હેલી સવારે ટ્રેનમાં કચડાય એ પછી
હું કચકચાટ બાંધતો ઇચ્છાને ધૂંસરી
પ્હેરીને ડાબલા સતત ઘૂમ્યા કર્યું છે મેં
હાંફી ગયો છતાં ય છે આ દોડ વાંઝણી
તારા ગયા પછી જ હું પામી શક્યો મને
ખાલીપણું જ વિસ્તર્યું ‘તું મારા નામથી
ઑફિસ સમી છે આપણી આ જિંદગી વિજય
આખો દિવસ ચહલપહલ પણ સાંજ ઝૂરતી
________________________________
સત્ય શું?
આપણા હોવાપણાનું સત્ય શું?
જિંદગી તો એક પાનું, સત્ય શું?
એક પડછાયો જરા થથર્યો અને
કોડિયું મલકે છે છાનું, સત્ય શું?
કેટલું ભરચક હતું ટેબલ છતાં
સાવ ખાલી એક ખાનું! સત્ય શું?
રણઝણી ગઈ રાત આખી દોસ્તો
દર્દ એ કેવું મજાનું! સત્ય શું?
છે વિજય રસ્તો અજાણ્યો, તે છતાં-
આપણે ચાલ્યા જવાનું! સત્ય શું?
_______________________________
એક કે બે શ્વાસ …
એક કે બે શ્વાસ છે આ જિંદગી
મોતનો ઈતિહાસ છે આ જિંદગી
એક દી’ એ રેત શી સરકી જશે
આપણો પરિહાસ છે આ જિંદગી
આયનાથી બ્હાર આવી જો જરા
ભાસ, કેવળ ભાસ છે આ જિંદગી
દોડવું ને ભાગવું ને તૂટવું
એ જ તો સંત્રાસ છે આ જિંદગી
આપણે વરસ્યાં અને ભીનાં થયાં
તો જ શ્રાવણ માસ છે આ જિંદગી
ક્યાં સુધી હું શ્વાસને ગણતો રહું?
આખરી અજવાસ છે આ જિંદગી
__________________________________
આપણો સંબંધ
વાગતો ના શબ્દનો યે ગજ કદી
થાય ના એનું મને અચરજ કદી
આંજવું છે આંખમાં આકાશ પણ-
ક્યાં મળે છે આટલી યે રજ કદી?
આમ રસ્તામાં તમે મળતાં અને
થઈ જતી પૂરી અમારી હજ કદી
આપણો સંબંધ ભીના મૌનનો
ઝળહળે છે શબ્દનો સૂરજ કદી
‘ને હવે આકાશ ખાલી છે વિજય
તારલાની શી હતી સજધજ કદી!
______________________________
સૂક્કા ઘાસની ગંધ
સાવ સૂક્કા ઘાસની હું ગંધ છું
પાનખર આલાપતો સંબંધ છું
ટળવળ્યા કરતી તરસ તડકો ચઢ્યે
ધોમ ધખતા ગ્રીષ્મ જેવો અંધ છું
ઓ સમંદર ઉછળીને આવ તું
ખાબકી લે, આજ હું નિર્બંધ છું
ચોપડીનું એક પાનું વાળતાં
વાંચવો બાકી રહ્યો એ સ્કંધ છું
દોષ શો દેવો વિજય દીવાલને
હું ઉઘાડા બારણામાં બંધ છું
___________________________________
ઊભા કિનારે વેગળે
આંગળીના ટેરવે આવી મળે
એ ગઝલમાં તું જ આવીને ભળે
એક પથ્થર ફેંક તું પાણી ઉપર
’ને તરંગો કેટલાં ટોળે વળે!
શાંત રાતોમાં નદી ખળખળ વહે
ભીતરી એકાંત એને સાંભળે
આપણે સાથે વહ્યાં ‘તાં કો’ક દી
આજ તો ઊભા કિનારે વેગળે
જે સપાટી પર નથી આવી શક્યા
એ જ પરપોટા હવે જો ઑગળે
લાખ કોશિશો કરે તો પણ વિજય
જિંદગી હંમેશ આપણને છળે
આ નદી પામી શકે જો તું વિજય
તો જ એકાકાર થઈ તું ઑગળે
વિજય સેવક
.
_________________________________________________________
સાંપ્રત સમયની વિશ્વભરમાં વ્યાપેલી નાણાંકીય કટોકટીથી નાસીપાસ થયેલ સહુ કોઈ માટે બળપ્રેરક ને ખાસ વાંચવા લાયક શ્રી કૃષ્ણ દવેની સાહિત્યિક સંજીવની
આત્મહત્યા કરવા જઈ રહેલ વ્યક્તિને
ક્યાં જઇ રહ્યા છો? આત્મહત્યા કરવા?
ના રે ના, તમે તો જઇ રહ્યા છો તમારા પર મુકેલા ભરોસાની હત્યા કરવા.
તમે જેને અંત માનો છો ને ? એ તો આરંભ છે તમારા પરિવાર માટે રીબાઇ રીબાઇને મરવાનો.
પથ્થરોના ટુકડાઓમાંથી ચમક ઓછી થઇ ગઇ તો શું થયું?
તમારા બાળકની આંખમાં તો એવી ને એવી જ ચમક છે
- તમે ઘસી ઘસીને હીરા ચમકાવતા હતા ને? એવી જ.
રૂપિયાની ખનક સંભળાતી બંધ થઇ તો શું થયું?
તમારી દીકરીનો ટહૂકો હજી એવો ને એવો જ મીઠ્ઠો છે
- તમે જન્મદિવસ પર અપાવેલી ઝાંઝરીના રણકાર જેવો જ.
કાગળોમાં રોકેલો વિશ્વાસ પીળો પડી ગયો તો શું થયું?
તમારી પત્નીની આંખોમાં છલકાતો વિશ્વાસ હજુયે અકબંધ છે.
- વીંટીંમાં જડેલા સાચ્ચા મોતીની સફેદી જેવો જ.
કાલથી કામ પર નહીં આવતા, એવું ખેતરે કોઇને ય કહ્યાનું
તમને યાદ છે?
સાંજે થાકીને પાછા ફરેલા પંખીને ઝાડવાએ બેસવાની ના પાડી હોય,
એવું તમને યાદ છે?
તમારી દસ પેઢીમાંય કોઇએ આત્મહત્યા કરી હોય,
એવુ તમને યાદ છે?
ગાઢ અંધારૂ છે એ ય સાચું -
ઝાંખો પ્રકાશ છે એ ય સાચું.
પણ એથી કાંઇ આમ દાઝ કરીને ટમટમતા દીવાને થોડો ઓલવી નાખવાનો હોય?
આવે ટાણે જ તો સંકોરવાની હોય સમજણની શગને,
અને પુરવાનું હોય થોડીક ધીરજનું તેલ.
બાકી સવાર તો આવી જ સમજો…
.
કૃષ્ણ દવે
____________________________________________________________
તૂટેલાં શમણાંના ના જડે સાંધા
સાંપ્રત સમયમાં હાઉસીંગ બબલ, સબપ્રાઈમ ટ્રબલ ને ધંધા રોજગાર ટેરીબલ હોવાના સમાચાર જગતભરમાં હાહાકાર મચાવી રહ્યાં છે ને જન જીવનને પાયમાલ કરીને સોનલ શમણાંને છીનવી રહ્યાં છે - તોડી રહ્યાં છે, ત્યારે બેઈલ આઉટ, ટેક્ષ રીબેટ ને ક્રેડીટ જેવાં તોતીંગ પ્રયાસો છતાં એ તૂટેલાં શમણાંના સાંધા જડતા નથી ને માંદા પાડવા મથતા મંદીના પ્રવાહો વાંધારૂપે નડતા રહે છે…
ધંધા રોજગારની મંદીમાંહે અમે છોને પડી ગયા માંદા
તૂટેલાં શમણાંના ના જડે સાંધા એના અમને તો વાંધા
જોબ ક્રેડીટ બેંક રહેઠાણ, ભુંસાતા રે જાતા ઠેકાણા ઠામ
બેઈલ આઉટ થીંગડાનું નામ એતો બળ્યા ઉપરે ડામ
ઝગમગમાં જાગે અંધાર, દિવાસ્વપ્ને શોધીએ રે ચાંદા
મંદીમાંહે ધંધા સપડાયા અંધા થ્યાં મૂડીરોકાણ અડધાં
તૂટેલાં શમણાંના..
સબપ્રાઈમે લૂંટ્યા દોર દમામ, ઈલાજ કરે ત્યાં શું કામ?
ચાદર મુજબ પગ લંબાવવા-કાં ભૂલ્યા એ સુખનું ધામ!
ગમે ના વાર તહેવાર વારંવાર, પગાર પળોમાં રે ટાઢા
પર્વ જો ઉજવીએ તો કેમ રે જીવીએ કરે એ સૌને ગાંડા
તૂટેલાં શમણાનાં..
સૂડી સાટે સોપારીને ખંજર,સીઈઓ સધ્ધર પામે પિંજર
ચેતન નીંદર થ્યાં છૂમંતર, રે બોજસભર મન ને અંતર
મંદી અંદર સપડાયા બંદા ને તનનાં જંતર મંદા માંદા
બેકારી ભથ્થાં ટેક્ષ રીબેટ ને ક્રેડીટ એમાં કેમ વળે કાંદા!
તૂટેલાં શમણાનાં..
નૈયા હૈયા કેરી ડામાડોળ, ગિરવે ક્યાંક મૂક્યા છે લંગર
વિમાન કાર વીમા બેંકરપ્ટ, બેકાર નોકરિયાત તવંગર
મંદીવાદના સાદે મિડિયા ટીવી પેપરના સુકાયા ઘાંટા
જગભરે ફરે મંદી ધરાર ને ક્રેડીટ ક્યાંક રે મારતી આંટા
તૂટેલાં શમણાંના..
ધંધા રોજગારની મંદીમાંહે અમે છોને પડી ગયાં માંદા
તૂટેલાં શમણાંના ના જડે સાંધા એના અમને તો વાંધા
દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલીફોર્નિયા
.
_________________________________________
અમારો ચાલુ રહ્યો પ્રવાસ!
ગણ્યા વિસામા જેને એ તો હતો માત્ર આભાસ!
રણ જેવા આ મનમાં
લીલા વન શાં તમને સાથે લીધા,
તમે પાઓ છો તેથી તો
મેં છતે જાણતે મૃગજળ પીધાં.
હવા કાનમાં કહી ગઈ કે ફૂલમાં ક્યાં છે વાસ?
અમારો ચાલુ રહ્યો પ્રવાસ.
જે પગલાંમાં કેડી દેખી
દૂર દૂરની મજલ પલાણી;
પાછા વળનારાની પણ છે
એ જ નિશાની, આખર જાણી!
હવે થાકના ટેકે ડગલાં ભરી રહ્યો વિશ્વાસ!
અમારો ચાલુ રહ્યો પ્રવાસ!
રઘુવીર ચૌધરી
___________________________
.
પાર્થને કહો ચડાવે બાણ
પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ
ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ … પાર્થને કહો ચડાવે બાણ
દ્રૌપદીની હજી વેણ છૂટી છે રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ … પાર્થને કહો ચડાવે બાણ
મેહુલો બોલે, વાયુ હુંકારે, ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે, ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ … પાર્થને કહો ચડાવે બાણ
નૃલોક જોશે, કાળ નીરખશે, રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં, હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ … પાર્થને કહો ચડાવે બાણ
વિધિનાં એ જ મહાનિર્માણ, પાર્થને કહો ચડાવે બાણ
કવિ નાનાલાલ દલપતરામ કવિ
______________________________________________________________________
મારું ખોવાણું રે સપનું
મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
મારું ખોવાણું રે સપનું.
પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસ્તી, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું.
વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું.
ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,
મારું ખોવાણું રે સપનું.
ગની દહીંવાલા (Gani Dahiwala)
.
ગની દહીંવાલા (Gani Dahiwala)
નાનાલાલ દલપતરામ કવિ (Nanalal Kavi)
ચંદ્રવદન ચી. મહેતા (Chandravadan Mehta) દિનેશ કોઠારી (Dinesh Kothari) ધીરો (Ancient Gujarati Poet Dhiro) ગુણવંત શાહ (Gunvant Shah) હરિશ્ચન્દ્ર ભટ્ટ (Harishchandra Bhatt) જયન્ત પાઠક (Jayant Pathak) નવલરામ પંડ્યા (Navalram Pandya) પ્રીતમ (Pritam) ચિનુ મોદી (Chinu Modi) રતિલાલ ‘અનિલ’ (Ratilal Roopawala 'Anil) ‘શૂન્ય’ પાલનપુરી (’Shunya’ Palanpuri) ‘રુસ્વા મઝલૂમી’("Rusva" Mazlumi Mazloomi) નિનુ મઝુમદાર (Ninu Mazmudar) દયારામ (Daya ram) જીવણ સાહેબ, Jivan Saheb બરકત વીરાણી(Barkat Virani 'Bafaam')
રાજે(Muslim Kavi Raje) રત્નો (Ratno) નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ્' (Kavi Ushnas- Natwarlal Kuberdas Pandya) નટવરલાલ પી (Natvarlal P Buch)
હર્ષદ ત્રિવેદી (Harshad Trivedi) રવિ ઉપાધ્યાય (Ravi Upadhyay)
બલવંતરાય ઠાકોર (Balvantrai Thakor)
For complete list of Gujarati poets covered on Kavilok, please click here
મુળ અમદાવાદી થઇને જો હું આ લોકગીત ભુલી જઉ એ કેમ ચાલે… તો આ ગીત મારા અમદાવાદ માટે…
સ્વર: સજંય ઓઝા
અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પેહલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ટુંકો,
મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
સમાજવાદી… કોંગ્રેસવાદી… શાહીવાદી… મુડિવાદી….
નહિ સમિતિ… નહિ કમિટિ… નહિ સોશ્યાલિસ્ટની જાતીવાદી…
નહિ વાદ ની વાદવિવાદી… ‘M’ વિટામિનવાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
ઉડે હવામા ધોતિયુ ને પેહરી ટોપી ખાદી,
ઉઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓતો સુકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવેતો ભલભલાની ઉથલાવીદે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
અરે પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી,
શેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી,
અરે મુંબઇની એક મહિલા જવા જમાલપુર નીકળી,
ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી,
ભાઇ માણેકચોક થી નીકળી પાછી માણેકચોકમાં વળી,
આવીતો ભાઇ બહુ કેહવાની… આતો કહિ નાખી એકાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
સદાકાળ ગુજરાત
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત;
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઊછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
અરદેશર ફ. ખબરદાર